fbpx
બા, હવે મને જલેબી ખવડાવો!

‘નાયશા જમવા બેસ તો, કેમ રોજ મને હેરાન કરે છે?’ ઘાંટો પાડતી તન્વી રસોડામાંથી બહાર આવી. તન્વીએ સાસુ કુમુદબાને કહ્યું, ‘બા, આજે તો તમે આવ્યા છો તો તમે જ એને જમાડો, હું તો એના રોજના નખરાંથી કંટાળી છું.’

કુમુદબાએ નાયશાનું માથું પસવારી હેતથી પૂછ્યું, ‘બેટા, મમ્મીને કેમ ઘાંટા પડાવે છે. તું બરાબર ખાઈશ નહીં તો મોટી કેવી રીતે થઈશ. આજે જમવામાં હું તને ભાવતી જલેબી લાવી છું.’ નાયશા જમણી હડપચી પર આંગળી મૂકતાં બોલી, ‘ બા, હું જલેબી ખાઉં તો પછી મને અહીંયા દુઃખે છે.’ બાએ નાયશાનું મોઢું ખોલ્યું અને તેની બે દાઢમાં કાળું કાળું દેખાતાં ચમકી ગયાં.

રસોડામાંથી બહાર આવેલી તન્વીને કુમુદબાએ નાયશાનો કાળો દાંત બતાવ્યો. તન્વી બોલી, ‘ આ તો દાંત સડી ગયો છે, દૂધિયા દાંત તો પડી જશે એટલે ચિંતા નથી.’ વહુને ટપારતાં કુમુદબા બોલ્યા, ‘વહુ, આના લીધે જ તારી દીકરી જમતી નથી. આપણે આજે જ દાંતના સારા ડોક્ટર પાસે જઈ આવીએ.’ તન્વીનું કહેવું હતું કે જે દાંત થોડાક જ વર્ષમાં પડી જાય એની પાછળ સમય અને પૈસા શા માટે વેડફવા.

બીજા જ દિવસે કુમુદબા વહુ અને પૌત્રીને લઈને ફાઈન ફેધર પર મને મળ્યા. ‘ડોક્ટર સાહેબ, મારી પૌત્રીને દાઢમાં સડો થયો લાગે છે અને જમતી વેળા તેને બહુ દુઃખે છે. મારી ઢીંગલીની તકલીફ દૂર કરી આપો.’ તન્વીએ કહ્યું, ‘ડોક્ટર સાહેબ, દુઃખાવો બંધ થવાની દવા લખી આપો. આપણે સારવાર પાછળ ખોટાં પૈસા ખર્ચવા નથી.’

મેં તન્વીબહેનને સમજાવતાં કહ્યું, ‘તન્વીબહેન, કુદરતે આપણને દૂધિયા અને કાયમી બે પ્રકારના દાંત કેમ આપ્યા છે? જડબાના વિકાસ માટે દાંતથી ચાવવાની પ્રક્રિયા બહુ અગત્યની છે. બાળક નાનું હોય ત્યારે કુદરત એને નાના અને ઓછા દાંત આપે છે. એનાથી ચાવી શકાય તે પ્રમાણે જડબાનો વિકાસ થાય ત્યારે દૂધિયા દાંત પડી જાય અને મોટા કાયમી દાંત આવે. જે આપણે સાચવીએ તો જીવનભર સાથ આપે છે.’ તન્વીએ દલીલ કરી, ‘ડોક્ટરસાહેબ, એકાદ દાંત પડે કે પાડી નાંખીએ તો શું ફરક પડે? કાયમી દાંત તો આવવાના જ છે ને.’ મેં સ્મિત સાથે તેમને સમજાવતાં કહ્યું, ‘તન્વીબહેન, દૂધિયા દાંત જાળવવા માટે બીજું પણ કારણ છે, આ દૂધિયા દાંત કાયમી દાંતની જગ્યા રોકી તેને બરાબર જગ્યા પર જ ફૂટવા માર્ગદર્શન પૂરું પાડે છે. જો દૂધિયા દાંતને પાડી નાંખીશું તો કાયમી દાંત આડા-અવળા આવવાની શક્યતા વધી જાય છે.’

‘પણ બા આપણે બીજા ડોક્ટરની સલાહ લઈએ.’ કુમુદબા બોલ્યા, ‘જો બેટા, મેં મારી સારવાર અહીંયા જ કરાવી છે. ગયા વર્ષે જ મેં બે ઈમ્પલાન્ટ્સ મુકાવ્યાં છે. ડોક્ટર સાહેબ, તમે સારવાર ચાલુ કરી દો.’

બીજા જ દિવસે ફાઈન ફેધરના નિષ્ણાત પીડોડોન્ટીસ્ટની હેઠળ નાયશાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. સાત દિવસ અને ત્રણ વિઝિટમાં જ બે સડેલાં દાંતમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી સ્ટેઈનલેસ સ્ટીલની બે કેપ બેસાડવામાં આવી. તન્વીએ થોડી મૂંઝવણ સાથે કહ્યું, ‘ડોક્ટર સાહેબ, આ કેપનું શું કામ?’ મેં હસતાં હસતાં કહ્યું, ‘એ તો દૂધિયા દાંતની સાથે સાથે પડી જશે.’ હસતી નાયશાએ કુમુદબાને કહ્યું, ‘બા, હવે મને જલેબી ખવડાવો.’